સંક્રાતિનો ઉત્સવ નિ:સર્ગનો ઉત્સવ છે.પોષ મહીનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. એટલા માટે આ ઉત્સવને મકર સંક્રાતિ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાં કરવાની દિશા બદલે છે થોડા અતર તરફ ઢળતો જાય છે. એટલા માટે આ સમયને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે.
સૂર્યના સંક્રમણની સાથોસાથ જીવનનું પણ સંક્રમણ જોડાયેલું છે. એટલા માટે આ ઉત્સવનું સાંસ્કૃતિક દૃષ્ટિએ અનેરુ મહત્વ છે.
'તમસો મા જ્યોતિર્ગમય' અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરવાની વૈદિક ઋષિઓની પ્રાર્થના આ દિવસે સંકલ્પિત પ્રયત્નોની પરંપરાથી સાકાર થાય છે. કર્મયોગી સૂર્ય પોતાના ક્ષણિક પ્રમાદને ઝાટકીને અંધકાર પર આક્રમણ કરવાનો આ દિવસે દૃઢ સંકલ્પ કરે છે. આ દિવસથી અંધકાર ધીમે-ધીમે ઘટતો જાય છે.
સારા કામ કરવાથી શુભ દિવસોનો પ્રારંભ થાય છે. ધાર્મિક હિન્દૂ કામના કરે છે કે, મકર સંક્રાતિ બાદ જ તેમનું મૃત્યુ નિપજે. યમરાજ (મૃત્યુ)ને ઉત્તરાયણનો પ્રારંભ થવા સુધી રોકનારા ઈચ્છામરણી ભીષ્મ પિતામહ આ વાતનુ જ્વલંત ઉદાહરણ છે.
અગ્નિ, જ્યોતિ અને પ્રકાશથી ભરેલી ગતિ અર્થાત શુક્લ ગતિ તથા અધંકાર યુક્ત ગતિ અર્થાત કૃષ્ણ ગતિ, આ દૃષ્ટિએ જોઈએ તો ઉત્તરાયણમાં મૃત્યુંની ઈચ્છા એ તેજસ્વી અને પ્રકાશમય મૃત્યુંની ઈચ્છા સમાન છે. અંધકાર જેવું ડરામણુ જીવન માનવને નિકૃષ્ટ મૃત્યુ તરફ ખેંચીને લઈ જાય છે.
સંક્રાતિ એટલે પ્રકાશ તરફ અંધકારનો વિજય
માનવનું જીવન પણ પ્રકાશ અને અંધકારથી ઘેરાયેલું છે. તેના જીવનું વસ્ત્ર કાળા અને સફેદ રેસાઓનું બનેલું છે. મકર સંક્રાતિનો દિવસ માનવી માટે પણ સંક્રમણ અને શુભ સંકલ્પ કરવાનો દિવસ છે. માનવ જીવનમાં વ્યાપ્ત અજ્ઞાન, શંકા, અંધશ્રદ્ધા, જડતા, કુસંસ્કાર વગેરે અંધકારના પ્રતિક છે. માનવે અજ્ઞાનને જ્ઞાનથી, ખોટી શંકાને વિજ્ઞાનથી, અંધશ્રદ્ધાને સમ્યક શ્રદ્ધાથી, જડતાને ચેતનાથી અને કુસંસ્કારોનું સર્જન દ્રારા દૂર હટાવાના છે. આ જ એના જીવનની સાચી સંક્રાતિ કહેવાશે.
સંક્રાતિ એટલે સમ્યક ક્રાંતિ
ક્રાંતિમાં માત્ર પરિરિસ્થિતિ પરિવર્તનની આકાંક્ષા હોય છે જ્યારે સંક્રાતિમાં સમ્યક પરિસ્થિતિ સ્થાપન કરવાની અભિલાષા હોય છે. એટલા માટે માત્ર સંદર્ભ જ નહી પરંતુ માનવ મનના સંકલ્પોને પણ બદલવા પડશે. આ કાર્ય વિચાર ક્રાંતિથી જ સંભવ છે. ક્રાંતિમાં હિંસાને મહત્વ હોય છે પરંતુ સંક્રાતિમાં સમજદારીનું પ્રાધાન્ય હોય છે. અહિંસાનો સમાનાર્થી અર્થ ' પ્રેમ કરવો છે' જે સંક્રાતિમાં તો ક્ષણ-ક્ષણમાં તથા કણ-કણમાં પ્રવાહિત હોય તેમ જોવા મળે છે. સંક્રાતિનો અર્થ મસ્તક વાઢવું નહી પરંતુ મસ્તકમાં સ્થિત વિચારોને બદલવાનો છે અને તેમાં જ સાચી વિજય છે.
સંક્રાતિ એટલે સંગક્રાંતિ
આ દિવસે માનવે સંગમુક્ત થવાનો સંકલ્પ કરવો જોઈએ. કામ,ક્રોધ, લોભ, મોહ વગેરે વિકારોના પરિણામોથી વધુમાં વધું મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંગમુક્તિથી શનૈ:શનૈ: આપણે મુક્તસંગ બનવું જોઈએ. અર્થાત મુક્ત જીવનના લોકોનો સંગ કરવો જોઈએ. આવા જીવનમુક્ત લોકો જ આપણી ક્રાતિને યોગ્ય દિશા તથા માર્ગદર્શન આપી શકે છે.
સંક્રાતિ એટલે સંઘક્રાંતિ
કોઈ પણ મહાન કાર્યમાં સંગઠનની જરૂરિયાત હોય છે. 'સંઘે શક્તિ કલો યુગે' સંઘમાં વિશિષ્ટ શક્તિ નિર્માણ હોય છે. આ વિશાળ વિશ્વમાં કોઈ પણ કામ કરવા માટે એકલો મનુષ્ય અપૂર્ણ છે. તેની શક્તિની મર્યાદા હોય છે. સંઘમાં વિશિષ્ટ પ્રકારની શક્તિઓ પુષ્કળ પ્રમાણમાં એકત્ર થાય છે અને તે કોઈ પણ કાર્યને સહજ-સંભવ બનાવી દે છે. પરંતુ આ વાત ન ભૂલવી જોઈએ કે, આ સંઘનિષ્ઠાના પાયામાં અતૂટ, જ્વલંત પ્રભુનિષ્ઠા હોવી જોઈએ.

લોડ થઈ રહ્યું છે...